ગુજરાતમાં આવેલી વિશ્વની વિસરાયેલી અજાયબી : સોલેરીયમ

વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક અજાયબી આપણા ભારતમાં આવેલી છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પણ ભારતમાં આવેલી છે અને એ પણ આપણા ગુજરાતમાં, આપણા માટે આ ગર્વની વાત છે પણ જો હું એમ કહું કે વિશ્વમાં માત્ર ત્રણ જ સોલેરીયમ હતા અને તેમાંનું એક સોલેરીયમ આપણા ભારતમાં, અરે આપણા ગુજરાતમાં જ હતું તો, કેટલી આશ્ચર્યની વાત છે ને!

વર્ષ ૧૯૩૪માં નવાનગર રાજ્યમાં એટલે કે હાલના જામનગરમાં, જામ સાહેબ સ્વ. શ્રી જામ રણજીતસિંહજી દ્વારા એક સોલેરીયમ બનાવવામાં આવ્યું હતું. વિશ્વમાં માત્ર ત્રણ જ સોલેરીયમ હતાં જે પૈકી બે ફ્રાંસમાં અને એક ભારતમાં હતું.

સૌપ્રથમ તો એ જાણીએ કે સોલેરીયમ એટલે શું?

સોલેરીયમ એટલે સૂર્ય(પ્રકાશ આવતો હોય એવો) ઓરડો. સોલેરીયમ શબ્દ લેટિન પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ છે “સૂર્ય(પ્રકાશ) સ્થળ”.

બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) દરમિયાન ફ્રાંસ પર થયેલ બોમ્બના હુમલામાં ત્યાંના બન્ને સોલેરીયમ નાશ પામ્યા અને એકમાત્ર સોલેરીયમ ભારતમાં રહ્યું. નવાનગર રાજ્યમાં (હાલ જામનગર) આવેલ સોલેરીયમની આકૃતિ(ડિઝાઇન) ફ્રેન્ચ ઇજનેર Dr. Jean Saidam દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેનો બાંધકામનો ખર્ચ ૬ લાખ રૂપિયા થયો હતો.

સોલેરીયમની રચના :

સોલેરીયમની કુલ ઊંચાઈ ૪૦ ફૂટ છે. પ્લેટફોર્મ કે જેના પર સોલેરીયમ કેબિન્સ બનાવવામાં આવ્યા છે તે જમીન લેવલથી આશરે ૩૦ ફુટની ઉંચાઈ પર એક ટાવર પર છે. પ્લેટફોર્મ ૧૧૪ ફુટ લાંબી છે, કુદરતી કિરણ ઉપચાર માટે કુલ ૧૦ કેબીન છે. તેની કેબીન સાઇઝ ૧૩ X ૯ ફુટ છે. પ્લેટફોર્મ આડું ફરતું અને કેબીનમાં દર્દીઓના પલંગ એક સાથે ઉભા ફરતા. સૂર્યની દિશાને અનુરૂપ સોલેરીયમ ને ફેરવવામાં આવતું, આ માટે એક એક દેખરેખ નિયંત્રણ ઓરડો પણ બનાવવામાં આવેલ છે. સોલેરીયમ ને ફેરવવા માટે ઈલેક્ટ્રોનિક મોટર નો સહારો લેવાતો, પણ જો વીજળી ના હોય તો કોઈપણ વ્યક્તિ હાથથી પણ તેને ફેરવી શકતો.

સોલેરીયમમાં કરવામાં આવતો ઉપચાર :

સોલેરીયમ માં અલગ પ્રકારના કાચ દ્વારા ત્રણ પ્રકારના કિરણ ઉપચાર કરવામાં આવતા, જેમાં (૧)અલ્ટ્રાવાયોલેટ કિરણો, (૨)ઇન્ફ્રારેડ કિરણો અને (૩) કુલ કિરણોત્સર્ગ કિરણો નો સમાવેશ થતો. આ કાચ એ રીતે બનાવવામાં આવેલા જેથી સૂર્ય નો એ જ તડકો દર્દીઓને મળે જેની તેમને જરૂર હોય, હાનિકારક સૂર્ય કિરણો તેમાંથી ફિલ્ટર થઈ જતાં.

ધીરે ધીરે સમય જતાં આ સોલેરીયમ બંધ થઈ ગયું. આજે એ ઈમારત ઊભી છે પરંતુ હવે તેમાં કોઈ ઉપચાર થઈ શકે તેમ નથી. બહારથી આ ઈમારત જોઈને તેની ભવ્યતા નો અનુમાન લગાવી શકાય છે. આ ઈમારત જામનગર ના ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી છે.

સંદર્ભ : M. P. Shah Hospital Official Website