વલભીનો નાશ

“મને એ કાંસકી આપી દે.”
“ના, હું શેની આપું?”
“મારા બાપુજીને હું કહી દઈશ.”
“કહેજેને, હું પણ મારા બાપુજી ને કહી દઈશ.”
“મારા બાપુજી તો વલ્લભીના રાજા છે.”
“તે મારા બાપાય વલભીના મોટા શેઠ છે, સમજીને?”

“એમ?” બોલતી રડવા જેવી થઈ ગયેલી વલભીના રાજા શિલાદિત્યની દીકરી ધૂવાંપૂંવા થતી મહેલ તરફ ચાલી ગઈ. બીજી હતી વલભીના એક મોટા કરોડપતિ શેઠ કાકુની દીકરી. પોતાના ઘરના ગોખમાં બેઠી બેઠી પોતાના રેશમ જેવા સુંવાળા વાળ તે એક રત્નજડિત કાંસકી વડે હોડી રહી હતી; એવામાં રાજા શિલાદિત્યની દીકરી ત્યાં આવી ચઢી તેણે તે કાસકી જોઈ અને કાકુની દીકરી પાસે તે માગી, પણ તેને તો ઘસીને ના પાડી.

બસ થઈ રહ્યું. રાજાની દીકરી ને ના પાડે તે રાજાથી સહેવાય? રાજાએ કાકુને બોલાવ્યો. કાકુ આમ તો પરદેશી હતો. વર્ષો પહેલા વલભીમાં તે મારવાડથી ભૂખનો માર્યો આવી ચઢ્યો હતો અને દોરીલોટો લઈને આવેલો એ મારવાડી કરોડપતિ બન્યો.

બાપને રાજાએ બોલાવ્યો છે એ જાણતાં દીકરી આવી. રડતાં રડતાં તેની આંખ લાલ થઇ ગઈ હતી. તે જાણતી જ હતી કે રાજકુંવરી પોતાનો પરચો બતાવશે જ. કાકુ એ દીકરીને ધીરજ આપી. ” રાજાને પોતાની દીકરી વહાલી હશે તો બીજાની દીકરીઓ શું નાખી દેવાની હશે?” કાકુ મનમાં પાકી ગાંઠવાળી રાજ દરબાર એ આવ્યો.

રાજા એકના હજાર, હજારના લાખો આપવા કહ્યા. એટલી કાંસકી માટે જે માગે તે કાકુને આપવા તે તૈયાર થયો. પણ કાકુ એકનો બે ન થયો “એવી જોઈએ તો બીજી કરાવી આપું, પણ મારી દીકરીને રડાવીને એ તો મારાથી નહીં અપાય.” કાકુએ રાજાને સંભળાવી દીધું.

“મારી રૈયત થઇ મને ના પાડે?” રાજા ચિડાયો. તેણે બળજબરીથી કાકુની દીકરી પાસેથી કાંસકી પડાવી લીધી.

આથી કાકુ રોષે ભરાયો. તે ગયો સીધો સિંધના રાજા પાસે. તેને તેણે કરોડ સોનામહોર આપી વલભી પર ચઢાઈ કરવા ઉશ્કેર્યો.

સિંધી લશ્કરે આવી શિલાદિત્યને હરાવ્યો અને વલભીનો નાશ કર્યો. એ પછી સિંધી રાજાને થયું કે, જે માણસ પોતાના રાજાને નિમકહરામ થયો તે બીજાને નિમકહલાલ થાય એની શી ખાતરી? કે તેથી તેણે કાકુને પણ ગરદન માર્યો.

આમ રાજા મટી શિલાદિત્ય જુલમી બન્યો, કાકુ ખાનદાની છોડી કિન્નાખોર બન્યો, તેનું પાપ વલભીને લાગ્યું ને તે ખેદાન-મેદાન થઇ ગયું.

આજે પણ ભાવનગર પાસેના વળા ગામમાંથી એ નાશ પામેલ વલભીના દટાઈ ગયેલા મકાનોની ઈંટો મળે છે, અને જતા આવતા લોકોને શિલાદિત્ય અને કાકુની અવળી મતિની કરુણ કથા કહી ચેતવે છે.

સંદર્ભ : ગુજરાતના ઇતિહાસની કથાઓ – જીણાભાઇ .ર. દેસાઈ

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.
%d bloggers like this: