મુઘલ સામ્રાજ્યના પતન બાદ પ્રાદેશિક શક્તિઓનો ઉદય : આધુનિક ભારતનો ઇતિહાસ – ૨

આ સિરીઝના પ્રથમ સોપાન તરીકે આપણે ગયા લેખમાં મુઘલ સામ્રાજ્યના પતનના કારણો જાણ્યા આગળ હવે આપણે પતનના આ સમયગાળા બાદ બીજી પ્રાદેશિક શક્તિઓનો ઉદય કેવી રીતે થયો અને કઈ-કઈ શક્તિઓ ઉપર ઉભરી આવી તે જાણીશું.

૧૮મી સદી ના મધ્યભાગ સુધીમાં મુઘલ માત્ર નામ માત્રના જ શાસક રહ્યા હતા કારણ કે તેમની નબળાઈઓને કારણે સ્થાનિક શક્તિઓ તેમની સ્વતંત્રતા નિશ્ચિત કરવામાં સક્ષમ બની હતી. તેમ છતાં મુઘલોને રાજકીય કાયદેસરતાનો સ્ત્રોત માનવામાં આવતો હતો જેને બાદ માં પણ તેની પ્રતીકરૂપી સત્તા ચાલુ રહી. નવા ઉદભવેલા રાજ્યોએ તેના સામ્રાજ્યને સીધો પડકાર આપ્યો ન હતો પરંતુ આડકતરી રીતે તેમના શાસનને કાયદેસર બનાવવા માટે આજના સમયના કોઈ સરકારી કાર્યાલય ની જેમ મુઘલ શાસનને માન્યતા પ્રદાન કરવાનું કાર્યાલય બનાવ્યું હતું. મુઘલ સામ્રાજ્યના ઘણા પ્રાંતોમાં આ નવા પ્રાદેશિક શક્તિના કેન્દ્રસમા રાજ્યોએ કેટલાક સમય માટે મુઘલ વહીવટીતંત્રને ચાલુ રાખ્યું પરંતુ પાછળ જતાં તેમાં પરિવર્તન લાવ્યા અને અંતે સ્વાયત રાજ્ય બન્યા. એટલા માટે જ ઘણા ઇતિહાસકારો ૧૮મી સદીમાં થયેલા બદલાવને રાજકીય પતનને બદલે રાજકીય પરિવર્તન તરીકે પણ ગણાવે છે તથા શક્તિના શૂન્યવકાશ અથવા રાજકીય અરાજકતા ને બદલે તેઓ શક્તિના વિકેન્દ્રીકરણનો સંકેત આપે છે. આ નવા રાજ્યોમાં પણ વિવિધ પ્રકાર હતા.

પ્રથમ, કેટલાક રાજ્યોની સ્થાપના મુઘલ પ્રાંતના રાજ્યપાલ (સુબેદાર/ દિવાન/ રાજ્યપાલ/ નિઝામ) દ્વારા કરવામાં આવી હતી જોકે તેઓએ મુઘલ સત્તાને પ્રતીકાત્મક રીતે સ્વીકાર્યું હતું જેમને “અનુગામી રાજ્યો” પણ કહેવાય છે (અવધ,બંગાળ,હૈદરાબાદ).

બીજા, મુઘલ રાજ્યની વિરૂદ્ધ બળવાખોરોએ સ્થાપિત કર્યા હતા તે રાજ્યો.(મરાઠા, શીખ, જાટ)

ત્રીજા, જેમણે તેમની સ્વતંત્રતા પર ભાર મૂક્યો અને જે અગાઉ સ્વાયત પરંતુ આશ્રિત રાજ્યો તરીકે કાર્યરત હતા તેવા રાજ્યો.(મૈસુર, રાજપુત,ત્રાવણકોર)


ચાલો, સૌ પ્રથમ વાત કરીએ એવા રાજ્યોની જેની સ્થાપના મુઘલ પ્રાંતોના રાજ્યપાલ દ્વારા કરવામાં આવી હતી. આ રાજ્યોમાં મુઘલ શાસનથી છૂટા પડવાનો તબક્કો એ ક્રમવાર થયો હતો જે વ્યક્તિગત થી શરૂ કરીને સામાજિક જુથો ,સમુદાયો અને છેવટે પ્રદેશો દ્વારા કરવામાં આવેલા બળવા સુધી વિસ્તાર્યો. એમાં પણ આપણે ગયા લેખમાં જોયું એમ જમીનદારોના બળવાઓ એ આ પ્રાંતો ને મુઘલ શાસન થી છૂટું પાડવામાં વેગ આપ્યો હતો. જોકે આ રાજ્યોના દિલ્હી સાથેના જોડાણો અને વહીવટમાં મુઘલ પરંપરા ઘણા અંશે ચાલુ રહી હતી જેમ કે નાદિર શાહે જ્યારે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે અવધ અને હૈદરાબાદ પ્રાંતના રાજ્યપાલો અથવા એ વખતના નિઝામ જે કહો એ, મુઘલોની મદદ માટે આવ્યા હતા પરંતુ અસરકારક રીતે સ્થાનિક સ્તરે સત્તાના અમલીકરણની બાબતોમાં સ્વાયત્તા નો ઉપયોગ શરૂ કર્યો હતો.

બંગાળ,

મુરશીદ કુલી ખાનને શરૂઆતમાં ઓરંગઝેબે પ્રાંતના મહેસૂલ વહિવટને વ્યવસ્થિત કરવા માટે બંગાળના દીવાન (મહેસુલ ઉઘરાવનાર અધિકારી) તરીકે નિમણૂક કરી હતી અને પાછળથી ૧૭૧૭માં મુઘલ સમ્રાટ ફારુખસિયારે તેને બંગાળનો રાજ્યપાલ/નિઝામ તરીકે નીમ્યો હતો. સાથોસાથ ઓરંગઝેબ દ્વારા નીમવામાં આવેલી તેની બંગાળના દિવાનની પદવી પણ ચાલુ રહી આમ તે એક સાથે બે અલગ અલગ પદ ના અધિકારો સાથે વધારે શક્તિશાળી બન્યો. પરંતુ સમય જતા જે મુઘલ સમયગાળા દરમ્યાન બંને શાહી ખાતા (બંગાળ ની દિવાની અને રાજ્યપાલ કાર્યાલય) નિરંતર ચકાસણી અને સંતુલનની વ્યવસ્થા દ્વારા કાબૂમાં રહ્યા હતા તે મુરસીદ કુલી ખાનના રાજ્યપાલ બન્યા બાદ ધીરે-ધીરે મુક્ત થવા માંડ્યા. જોકે તેમ છતાં તેણે મુઘલ શાસનની શાહી તિજોરીમાં નિયમિતપણે આવક મોકલવાની ચાલુ રાખી હતી તેના બદલામાં તે પોતાના પ્રાંતમાં સ્વાયત રીતે રાજ્યભાર સંભાળતો હતો. મુર્શિદ કુલી ખાનની શક્તિના પાયાનું આધારસ્તંભ, તેનો ખૂબ જ સફળ મહેસૂલ વહિવટ હતો જેણે મુઘલ સામ્રાજ્યના બાકીના પ્રાંતોમાં જ્યારે રાજકીય અરાજકતાનો સમયમાં હતો ત્યારે પણ બંગાળને સતત આવક ઉભુ કરતું એકમાત્ર પ્રાંત બનાવ્યું હતું. જમીનદાર અને જાગીરદાર પર કડક નિયંત્રણ અને દેખરેખ ને કારણે તેના શાસન ના સમયગાળા દરમિયાન મહેસુલ સંગ્રહમાં ૨૦ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. તેના સમયમાં વેપાર ઉદ્યોગ પણ ખૂબ ફૂલ્યોફાલ્યો હતો, રેશમ,સુતરાઉ કાપડ,ખાંડ, તેલ અને ચોખ્ખું માખણ જમીની રસ્તે પર્શિયા અને અફઘાનિસ્તાન સુધી તથા સમુદ્રી રસ્તે દક્ષિણપૂર્વીય એશિયા, પર્શિયન ગલ્ફ અને રેડ સી પોર્ટ(ઈજિપ્ત) સુધી પહોંચતું હતું.

(૧)મુરશીદ કુલી ખાન (૨)અલી વર્દી ખાન (૩)સિરાજ-ઉદ-દૌલા

મુઘલ સામ્રાજ્યના તાબા હેઠળનું પ્રાંત હોવા છતાં મુરશીદ કુલી ખાને પોતાના ક્ષેત્રમાં એક સ્વાયત શાસક તરીકેની ભૂમિકા ભજવી હતી અને સાચા રાજવંશની જેમ પોતાની પુત્રીના પુત્ર સરફરાજ ખાનને તેના અનુગામી તરીકે નીમ્યો હતો. પરંતુ સરફરાજને તેના પિતા સુજાઉદ્દિન મોહમ્મદ ખાન (મુરશીદ કુલી ખાનનો જમાઈ) દ્વારા હાંકી કાઢવામાં આવ્યો હતો. ૧૭૨૭માં તેણે બંગાળ અને ઓરિસ્સા બંને પ્રાંત નિયંત્રણમાં લઇ લીધું હતું અને મુઘલ સમ્રાટ મોહમ્મદ શાહ દ્વારા તેની માન્યતા પ્રાપ્ત કરી લીધી હતી. પરંતુ આ નિયંત્રણ સ્થાનિક શક્તિશાળી વેપારીઓ, બેન્કર્સ અને જમીનદારોના સમર્થન દ્વારા હાંસિલ કર્યું હોવાથી આ પ્રદેશોમાં શાસન સહકારી શાસન(સ્થાનિક શક્તિશાળી વેપારીઓ, બેન્કર્સ અને જમીનદારોના પ્રભાવ હેઠળનું) જેવું થઈ ગયું હતું. આ સહકારી શાસન એ પરાકાષ્ઠાએ પહોંચ્યું કે જ્યારે તેના પુત્ર સરફરાઝ ખાનને તેના અનુગામી તરીકે ગાદીએ બેસાડવામાં આવ્યો ત્યારે આ સ્થાનિક શક્તિશાળી જૂથના સમર્થનથી લશ્કરી સેનાપતિ અલી વર્દી ખાન દ્વારા તેને પદભ્રષ્ટ કરવામાં અને પોતે ગાદી પર બેસી ગયો જેણે પાછળથી મુઘલ હકુમત દ્વારા માન્યતા પ્રાપ્ત કરી. જોકે આ અલી વર્દી ખાનનો જ સમયગાળો હતો જે દરમિયાન મુઘલ સામ્રાજ્ય સાથેના સંબંધો વધારે વિકટ થવા માંડ્યા અને બંગાળ પ્રાંત તરફથી મુઘલ શાસનની શાહી તિજોરીમાં નિયમિત પણે મોકલવામાં આવતી આવક પણ આખરે બંધ કરવામાં આવી. આમ કહી શકાય કે અલી વર્દી ખાનના શાસન દરમિયાન બંગાળ પ્રાંત પૂર્ણ રીતે સ્વાયત થયું. ૧૮૫૬માં અલી વર્દી ખાનના મૃત્યુ બાદ તેનો પૌત્ર સિરાજ-ઉદ-દૌલા એ રાજગાદી સંભાળી પરંતુ તેના ઉત્તરાધિકારને શૌકત જંગ(પૂર્ણિયાનો ફોજદાર) અને ઘસેટી બેગમ (અલી વર્દી ખાનની દીકરી) દ્વારા પડકારવામાં આવ્યું. આને કારણે બંગાળ પ્રાંતમાં રાજકીય અસ્થિરતા સર્જાઈ અને તેનો પૂરેપૂરો ફાયદો ઈસ્ટ ઈન્ડિયા કંપની એ પ્લાસીના યુદ્ધ થકી ઉઠાવ્યો (આધુનિક ભારતના ઇતિહાસની આ સિરીઝમાં આગળ વિસ્તારથી જોઈશું)

હૈદરાબાદ

શાહી દરબારના એક શક્તિશાળી ઉમરાવ, ચીન-કીલિચ-ખાન (ચીન-કુલિચ-ખાન) દ્વારા ૧૭૨૪માં હૈદરાબાદ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી જેણે આખરે નિઝામ-ઉલ-મુલ્ક અસફ ઝાાં ૧ નું બિરૂદ ધારણ કર્યું હતું(જે રીતે શિવાજી છત્રપતિ કહેવાતા એમ). દિલ્હી કોર્ટમાં સૈયદ બંધુઓના રાજકીય દાવપેચથી હતાશ થઈ ગયો હતો(સૈયદ બંધુઓની તાકાતનો તમે પરિચય એટલાથી લગાવી શકો છો કે તેમણે મુઘલ શાસક ફારુખસિયારનુ કતલ કર્યું હતું) પણ બાદમાં તેણે સૈયદ બંધુઓને પણ કાવતરાથી મારી નાખીને મુઘલ શાસક મોહમ્મદ શાહને મદદ કરી હતી અને બદલામાં ડેક્કન (ભારતનો સાતપુડા પર્વતમાળા થી નીચેનો દક્ષિણ ભાગ)ની સુબેદારી હાંસિલ કરી હતી. જોકે સ્વાયત્ત રાજ્યની સ્થાપના કર્યા બાદ પણ તેણે મોગલ બાદશાહ પ્રત્યેની નિષ્ઠા જાહેર કરી હતી.

નિઝામ-ઉલ-મુલ્ક અસફ ઝાાં ૧

મહેસુલ પ્રણાલીમાં સુધારણા, જમીનદારોને વશ કરવા અને હિન્દુઓ પ્રત્યે સહનશીલતા એ તેની સમજદાર નીતિઓ હતી જેના થકી તેના સ્વાયત્ત રાજ્યને સ્થિરતા મળી હતી. પરંતુ ૧૭૪૮માં તેના મૃત્યુથી રાજ્ય, મરાઠા અને પછીની વિદેશી કંપનીઓના કાવતરા સામે ખુલ્લું પડી ગયું હતું. મરાઠાઓએ પૂરી તાકાતથી રાજ્ય પર આક્રમણ કર્યું અને લાચાર લોકો પર ચોથ (મહેસૂલી આવકનો ચોથો હિસ્સો જે મરાઠા સરદારો દ્વારા જમીનની આવક પર કર-tax તરીકે લેવામાં આવતો) લગાડ્યો હતો.ઉપરાંત નિઝામ-ઉલ-મુલ્કનો પુત્ર નાસિર જંગ અને પૌત્ર મુઝફ્ફર જંગ અનુગામીના લોહિયાળ યુદ્ધમાં ગુંથવાયા.અને આ તકનો ઉપયોગ ડુપ્લેસીસ હેઠળની ફ્રેન્ચ કંપનીએ બીજા જૂથ સામે દાવપેચ રમવા અને મુઝફ્ફર જંગને ટેકો આપવાની રમતમાં કર્યો જેના બદલામાં તેણે જાગીરદાર હકો અને અન્ય નાણાકીય હકો મેળવ્યા .( જ્યારે સામે પક્ષે અંગ્રેજો એ નાસીર જંગને સમર્થન આપ્યું, અંગ્રેજ-ફ્રેન્ચ-હૈદરાબાદ ની ત્રિકોણીય આંટીઘૂંટીને ઈતિહાસ ની આ સિરીજમાં આગળ કાર્નેટિક યુદ્ધો થકી વિસ્તારથી સમજીશું.)

અવધ

અવધ રાજ્યનો સ્થાપક સાદત ખાન હતો તેને મોગલ સામ્રાજ્યના શાહી રાજકારણમાં ઘણી નામના મળી હતી અને જેના બદલામાં, પહેલા આગ્રાનો રાજ્યપાલ(૧૭૨૦-૨૨) અને ત્યારબાદ અવધના રાજ્યપાલ તરીકે તેની મુઘલ શાસન દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. અવધમાં મુખ્ય સમસ્યાઓ સ્થાનિક જમીનદારો દ્વારા ઉભી કરવામાં આવી હતી, જેમણે જમીન મહેસુલ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો ઉપરાંત તેમને કિલ્લાઓ અને સૈન્ય સાથે સ્વાયત સરદારો ની જેમ વર્તન કરવાનું શરુ કર્યું હતું. સાદત ખાને આ સ્થાનિક સરદારોને તાબે કર્યાં અને જમીનની નવી પ્રણાલી દાખલ કરી જેમાં મહેસુલ મામલે જમીનદારો પાસેથી ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી. આ કાર્ય તેણે ખુબ જ સમજદારી અને કાર્યદક્ષ રીતે કર્યું હતું જેને કારણે મોગલ બાદશાહ મોહમ્મદ શાહે પ્રસન્ન થઈને તેને બુરહાન-ઉલ-મુલ્કની પદવી આપી હતી. સાદત ખાને જાગીરદારી પ્રણાલીમાં સુધારો કર્યો અને આ જાગીરદારી સ્થાનિક સજ્જન મોભીઓને પણ આપવામાં આવી તથા તેમને વહીવટ અને સૈન્યમાં સ્થાન પણ આપ્યું જેના કારણે પ્રાદેશિક શાસક જુથ ઉભરી આવ્યો જેમાં શેખજાદા, અફઘાન અને હિન્દુ વર્ગનો સમાવેશ થતો હતો. તેણે અવધનો અધિકાર ક્ષેત્ર બનારસ, ગાજીપુર, જોનપુર અને ચુનાર સુધી વિસ્તાર્યો હતો.

“બુરહાન-ઉલ-મુલ્ક” સાદત ખાન

સ્વાયત્ત રાજ્યની સતા હોવા છતાં સાદત ખાનને દેલ્હીના રાજકારણમાં રસ હતો અને તેમાં પણ ખાસ મીર બક્ષી(શાહી ખજાનચી) ની પડવી જોઈતી હતી પરંતુ તે નિઝામ ને આપવામાં આવતા તેને દગો સમજીને તેને પર્શિયન આક્રમણકારી નાદિર સાથે હાથ મિલાવ્યા પરંતુ આખરે નાદિર શાહ તરફ થી મળતા અપમાન અને તિરસ્કાર થી હારીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેના ભત્રીજા/જમાઈ સફદર જંગને અવધનો રાજ્યપાલ બનાવવામાં આવ્યો જે બાદમાં મુઘલ બાદશાહનો વજીર પણ બન્યો. તેણે ન્યાયની સમાન વ્યવસ્થા ગોઠવી હતી અને તેને હિંદુઓ-મુસ્લિમોના રોજગારમાં નિષ્પક્ષતાની નીતિ અપનાવી. ૧૭૫૪માં સફદર જંગ ના અવસાન પછી તેના પુત્ર સુજા-ઉદ-દૌલા અવધનો સુબેદાર બન્યો. જે બાદમાં ૧૭૬૨માં મુઘલ બાદશાહ શાહ આલમ-૨ નો વજીર બન્યો. તે અંગ્રેજોની સામે બકસરના (૧૭૬૪) યુદ્ધમાં બંગાળના નવાબ મીર કાસિમ તથા મુઘલ બાદશાહ શાહ આલમ-૨ સાથેના જોડાણથી યુદ્ધમાં ઉતર્યો પરંતુ પરાજય થતાં આખરે અલાહાબાદની સંધીથી અંગ્રેજ કંપની શાસનનો આશ્રિત અને ગૌણ સહયોગી બન્યો


પ્રાદેશિક રાજ્યોનો બીજો જૂથ “નવા રાજ્યો” અથવા “બળવાખોર રાજ્યો” હતા. જેમાં મરાઠા અને શીખ એ મુઘલ સામ્રાજ્ય સામેના વિદ્રોહના કારણે બન્યા હતા. જ્યારે જાટ અને અફઘાન ( રોહિલા) એ ખેડૂત બળવાની લોકપ્રિય હિલચાલને કારણે ઉદભવ્યા હતા. તેમાંથી કદાચ ફક્ત મરાઠા રાજ્ય જ એક એવું રાજ્ય હતું જે મુઘલોની જગ્યાએ સંભવિત નવા પૂર્ણ-ભારતીય સામ્રાજ્યમાં વિકસિત થવા શક્તિમાન હતું, પરંતુ તેમના રાજનીતિના સ્વભાવને કારણે ક્યારેય સાકાર થઈ શક્યું નહીં.

મરાઠા

આ સમયગાળા દરમિયાન ઉભરેલા વિવિધ પ્રાંતીય રાજ્યોમાં, સૌથી પ્રખ્યાત મરાઠા રાજ્ય હતું. મરાઠાઓના ઉદભવ એ મુઘલ કેન્દ્રિયકરણ શાસન વિરુદ્ધ પ્રાદેશિક પ્રતિક્રિયા તેમજ કેટલાક વર્ગ અને જાતિઓની ગતિશીલતાની અભિવ્યક્તિનું પરિણામ હતું. મુઘલોનું મરાઠાઓના હ્રદયપ્રદેશ પર ક્યારેય યોગ્ય નિયંત્રણ રહ્યું નહોતું. એમાં પેશવા બાલાજી વિશ્વનાથના સમયગાળામાં પેશ્વાનું કાર્યાલય ખૂબ જ શક્તિશાળી બન્યું અને મરાઠા રાજ્યએ પ્રબળ વિસ્તરણવાદી રાજ્યનો દરજ્જો મેળવ્યો. બાલાજી વિશ્વનાથથી શરૂ કરીને બાલાજી રાવના શાસનકાળ સુધી, મરાઠા શક્તિ તેની પરાકાષ્ઠાએ પહોંચી અને મરાઠા દક્ષિણ, પૂર્વ, ઉત્તર અને મધ્ય ભારતની દરેક દિશામાં ફેલાઈ. અફઘાન અને મરાઠા વચ્ચે ૧૭૬૧માં પાણીપતની ત્રીજી લડાઈ મરાઠાઓ માટે મોટો ઝટકો સાબિત થયો હતો અને આ યુદ્ધમાં અફઘાનિસ્તાનની સફળતાને કારણે તેમની વિજય કૂચ અટકી હતી.

મરાઠા રાજ્ય સત્તરમી સદીમાં પશ્ચિમ ભારતમાં નાના રાજ્ય તરીકે શરૂ થયું હતું, જેની સ્થાપના સુપ્રસિદ્ધ મરાઠા પ્રમુખ છત્રપતિ શિવાજીએ કરી હતી, સ્થાનિક બીજાપુરના મુસ્લિમ શાસક અને શકિતશાળી મુઘલ સૈન્યના પ્રભાવ છત્તા તે એક શક્તિશાળી રાજ્ય તરીકે ઉભર્યું હતું. પરંતુ ૧૬૮૦માં શિવાજીના મૃત્યુ પછી તરત જ વંશવાદી, જૂથવાદ અને ડેક્કનમાં મુઘલની વિજય નીતિના સતત દબાણથી મુશ્કેલીમાં મુકાયુ હતું. શિવાજીના પુત્રો પહેલા સંભાજી અને પછી રાજારામે ટૂંક સમય માટે શાસન કર્યું અને મુઘલ સૈન્ય સાથે સતત યુદ્ધ કર્યું હતું.રાજારામ અને સંભાજીના મૃત્યુ બાદ રાજારામની પત્ની તારાબાઈ એ તેમના નવજાત શિશુ શિવાજી-૨ ના નામે શાસન કરવાનું શરૂ કર્યું. પરંતુ આ સમયગાળા દરમિયાન ઔરંગઝેબની સેનાએ એક પછી એક મરાઠા કિલ્લાઓ પર વિજય મેળવવાનો શરુ કર્યો. આમ મરાઠા સામ્રાજ્ય ચોક્કસપણે નબળું પડયું હતું અને ૧૭૦૭ માં મુઘલ જેલમાંથી શિવાજીના પૌત્ર સાહુ(શિવાજીના સૌથી મોટા પુત્ર સંભાજી નો પુત્ર)ની મુક્તિ પછી તે પ્રક્રિયા વધુ તીવ્ર બની હતી, કારણ કે સાહુની વાપસી પછી મરાઠા રાજવંશમાં રાજગાદી માટે વિખવાદ શરૂ થયો હતો એક દાવેદાર શિવાજી મહારાજના પૌત્ર સાહુ હતા જ્યારે બીજા દાવેદાર રાજારામની પત્ની તારાબાઈ જે શિવાજી-૨ ના નામે રાજ કરતા હતા. રાજગાદીના આ ગૃહ યુદ્ધમાં અંતે સાહુનો વિજય થયો અને ૧૭૧૮-૧૯ સુધીમાં તેણે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.

જોકે મરાઠા ગૃહ યુદ્ધનો તો અંત આવ્યો પરંતુ રાજ્યનું નિયંત્રણ ધીમે ધીમે શિવાજીના વારસોથી પેશ્વા(મરાઠા શાસનમાં મુખ્ય પ્રધાન/ પ્રધાનમંત્રી)ની તરફ ઢળ્યું એમાં પણ બાલાજી વિશ્વનાથના સમયમાં પેશ્વા કાર્યાલય ખુબ જ ઝડપથી શક્તિશાળી બન્યું. બાલાજી વિશ્વનાથ પછી છત્રપતિ સાહુના પેશ્વા (પ્રધાનમંત્રી) તરીકે બાલાજી બાજીરાવ-૧ (બોલિવૂડ ફિલ્મ “બાજીરાવ મસ્તાની” માં રણવીર સિંહ એ જેનું પાત્ર ભજવ્યું એ) બાજીરાવ એક ખૂબ જ કુશળ સેનાપતિ પણ હતો અને એવું કહેવાય છે કે મરાઠા સામ્રાજ્યના વિસ્તારમાં તેનો સૌથી મોટો ભાગ હતો અને ૨૦ વર્ષના તેના લશ્કરી કારકિર્દીમાં એક પણ યુદ્ધ હાર્યો ન હતો. ૧૭૪૦માં બાજીરાવના મૃત્યુ બાદ છત્રપતિ સાહુ એ બાજીરાવના પુત્ર બાલાજી બાજીરાવ “નાના સાહેબ” ને તેની જગ્યા પર પેશ્વા તરીકે નીમ્યા, જે લશ્કરી ઝુંબેશ કરતા વહીવટમાં વધુ અનુભવી હતા. જોકે મરાઠા શાસનના બધા પેશ્વાઓ માં તે સૌથી સફળ પેશ્વા સાબિત થયા હતા અને ૧૭૪૯માં છત્રપતિ સાહુના અવસાન પછી મરાઠા શાસનમાં નાના સાહેબ એટલે કે પેશ્વા પદ સર્વોચ્ચ અધિકાર તરીકે ઊભર્યું હતું. પરંતુ એક કહેવત છે ને કે, જે ઉગે તે આથમે, એ રીતે મરાઠા નો સૂર્ય પણ આથમ્યો, ૧૭૬૧માં અફઘાનિસ્તાનના અહમદશાહ અબ્દાલી કે જેને રોહિલાઓ અને અવધના શુજા-ઉદ-દૌલા જેવા સંખ્યાબંધ અન્ય દેશી રજવાડાઓના ટેકાથી પાણીપતની નિર્ણાયક ત્રીજી લડાઈમાં સેનાપતિ સદાશિવરાવ હેઠળના મરાઠા સૈન્યને પરાજિત કર્યું. જેમાં લગભગ ૫૦૦૦૦ મરાઠાઓની જાન ગઈ હતી. એ જ વર્ષે બાલાજી બાજીરાવની મૃત્યુ થઈ જેની બાદ પેશ્વાના પદ માટે મરાઠાઓમાં અંદરોઅંદર લડાઈ શરુ થઇ હતી. અને આખરે સારી રીતે વ્યાખ્યાયિત પ્રાંતીય અધિકારની ગેરહાજરીમાં તેઓ તેમના પ્રભાવને મજબૂત કરવામાં નિષ્ફળ ગયા.

શીખ (પંજાબ)

૧૮મી સદીમાં ઉત્તર ભારત તરફ નજર દોડાવતા આપણે જોઈ શકીએ છીએ કે પંજાબમાં શીખ પંથનો ઈતિહાસ મોગલ સામ્રાજ્ય જેટલો જ જૂનો હતો. જેમકે ૧૪૬૯માં જન્મેલા ગુરુનાનક જ્યારે બધા લોકોમાં આંતરિક ભક્તિ અને સમાનતાનો સંદેશ આપતા હતા ત્યારે બાબર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી રહ્યો હતો. મોગલ બાદશાહ ઔરંગઝેબ શરૂઆતમાં શીખ લોકો સાથે ખૂબ પ્રતિકૂળ ન હતો પરંતુ જેમ-જેમ આ સમુદાય કદમાં વધતો ગયો અને મુઘલની કેન્દ્રીય સત્તાને પડકારવાનું શરૂ કર્યું તેમ તેમ સમ્રાટ તેમની વિરૂદ્ધ થતો ગયો અને ૧૬૭૫માં ગુરુ તેગબહાદુર જે નવમા ગુરુ હતા શીખ ધર્મમાં તેમની દિલ્હીમાં ફાંસી આપવામાં આવી. ત્યારબાદ દસમા ગુરુ, ગુરુગોવિંદસિંહ ૧૬૯૯માં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું અને તેમણે શીખને લશ્કરી સંસ્થા ખાલસા માં પરિવર્તિત કર્યું. ગુરુગોવિંદસિંહના આ બળવાને તેમના અનુગામી બંદા બહાદુરે આગળ ધપાવ્યું. રાવી અને બીઆસ નદીના કિનારે વસતા જાટ ખેડૂતોએ તેમને ટેકો આપ્યો અને માત્ર એક વર્ષમાં જ રાવી નદીના કિનારાનો ઘણો મોટો વિસ્તાર તેમના પ્રભાવ હેઠળ આવ્યો જ્યાં તેમણે પોતાના ફોજદાર, દિવાન નીમ્યા. ઉપરાંત સિક્કા છાપવાનું કારખાનું પણ ખોલ્યું. પરંતુ થોડા સમય બાદ શીખ સમુદાયના આંતરિક મતભેદોને કારણે બંદા બહાદુરની સ્થિતિ અમુક હદે નબળી પડી ગઈ અને તેમના મૃત્યુ બાદ આ બળવો ઘણા અંશે સમી ગયો પરંતુ તેમની પ્રેરણા લઈને બીજા નાના નાના ઘણા શીખ સમુદાયોએ લડત ચાલુ રાખી જેના કારણે અફઘાનના અહમદશાહ અબ્દાલી પણ પંજાબને તેના પ્રભાવ હેઠળ લાવવામાં નિષ્ફળ ગયો, અબ્દાલીના રાજ્યપાલો ને જલ્દી થી હકાલવામાં આવ્યા અને ૧૭૬૧ સુધીમાં શીખોએ સતલુજ નદીથી માંડીને સિંધુ નદી સુધીના પંજાબના વિશાળ પ્રદેશો પર કાબુ મેળવ્યો ત્યારબાદ અબ્દાલી એક વખત ફરી ૧૭૬૫માં પંજાબ આવ્યો પણ એક પણ યુદ્ધ લડ્યા વિના કાબુલ પાછો વળ્યો હતો.

રણજીતસિંહ

નાના નાના ઘણા શીખ સરદારોએ ભેગા થઈને વિશાળ પ્રદેશ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આ બધામાં રણજીતસિંહ એક ઉત્કૃષ્ટ સરદાર તરીકે ઉભરી આવ્યો અને તેણે લાહોર પર વિજય મેળવ્યો તથા યુરોપિયન શક્તિઓ દ્વારા પ્રશિક્ષિત સેનાનું નેતૃત્વ કરીને ૧૮૦૯ સુધીમાં તેણે પંજાબના પાંચ દોઆબ(સમાંતરીત બે નદીઓ વચ્ચે નો ફળદ્રુપ વિસ્તાર)ના મોટા વિસ્તારો તેના નિયંત્રણમાં લાવ્યો.તેને અમૃતસરની સંધિ દ્વારા અંગ્રેજોએ પંજાબનો એકમાત્ર સાર્વભૌમ શાસક તરીકે માન્યતા આપી. પરંતુ તેના મૃત્યુના એક દાયકામાં પંજાબથી સ્વતંત્ર શીખ શાસન અદ્રશ્ય થતું ગયું કેમ કે શક્તિશાળી શીખ વડાઓ વચ્ચે શાસન માટેના સંઘર્ષ અને રાજવી કુટુંબના ઝઘડા એ અંગ્રેજોને ચડાઈ કરવાની પૂરતી તક આપી અને જેનો ફાયદો અંગ્રેજો ખૂબ ચપળતાથી ઉઠાવ્યો.

જાટ

૧૮મી સદીમાં અગાઉ વર્ણવેલી મોટી શક્તિઓ સિવાય થોડા નાના રાજ્યો પણ મુઘલ સામ્રાજ્યની નબળાઈનો લાભ લઈને ઉત્તર ભારતમાં ઉભરી આવ્યા હતા. ભરતપુરનું જાટ રાજ્ય તેનું મહત્વ નું ઉદાહરણ છે. જાટ દિલ્હી મથુરા ક્ષેત્રમાં વસવાટ કરતા ખેતીવાડી અને પશુપાલન સમુદાયનો વર્ગ હતો. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં મુઘલ સામ્રાજ્યની સામે ઉદ્ભવેલા વિવિધ કૃષિ બળવોઓ પૈકી જાટ લોકોનો બળવો નોંધપાત્ર હતો. આ બળવાને નાથવા માટે મુઘલ સમ્રાટે સેનાપતિ બિશેનસિંહ કાશવા ને મોકલ્યો હતો અને તે થોડા અંશે સફળ તો રહ્યો પરંતુ તેમની શક્તિઓને સંપૂર્ણ રીતે કાબૂ કરવામાં નિષ્ફળ ગયો અને તેના કારણે સ્થાનિક જમીનદાર ગોખલા અને ત્યારબાદ રાજારામ અને ચુરામણે ખેડૂતોના અસંતોષનો ઉપયોગ મુઘલ રાજ્ય સામે કર્યો અને ભરતપુર ખાતે જાટ રાજ્યની સ્થાપના કરી. જોકે ત્યારબાદ સુરજમલે તેના શાસન કાળ દરમ્યાન જાટ શક્તિઓને એકીકૃત કરી અને મોગલ સત્તાને તેમની ઓળખ આપવા દબાણ કર્યું. તેણે અબ્દાલીના સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલાનો પણ કુશળતાપૂર્વક પ્રતિકાર કર્યો હતો ઉપરાંત પાણીપતની ત્રીજી લડાઈમાં મરાઠાઓને ટેકો આપ્યો હતો.


મોગલ સામ્રાજ્યના નબળા પડયા પછી અસ્તિત્વમાં આવેલા અનુગામી રાજ્યો અને બળવાખોર રાજયો સિવાય રાજપૂત રજવાડા, મૈસુર અને ત્રાવણકોર જેવા કેટલાક રજવાડાઓ એવા પણ હતા જેમણે ભૂતકાળમાં અને પહેલાથી નોંધપાત્ર માત્રામાં સ્વાતંત્ર્ય મેળવ્યું હતું અને અઢારમી સદીમાં સંપૂર્ણપણે સ્વતંત્ર રાજ્યો બન્યા હતા.

રાજપૂત

રાજપુત શાસકોએ પણ સ્વતંત્ર રાજકીય અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ તેમના પડોશીઓના પ્રદેશ પર કબજો કરી વિસ્તરણની નીતિ અપનાવી હતી. ૧૬મી ૧૭મી સદીમાં રાજપૂતો આશરે ૨૦ મોટા કુળોમાં સંગઠિત થયા હત. મેવાડ,મારવાડ અને અંબર જેવા મુખ્ય રાજપૂત રાજ્યો એ મુઘલો સાથે સમજુતીની રચના કરી આંશિક સ્વાયતતા મેળવી પરંતુ સત્તા માટે રાજપૂતો વચ્ચેની આંતરિક દુશ્મનાવટથી તેમની સત્તા નબળી પડી હતી. રાજપુત શાસકોમાં સૌથી વધુ પ્રખ્યાત જોધપુરના અજીતસિંહ અને જયપુરના જયસિંહ હતા. તેઓએ મુઘલ બાદશાહનો તાબેદારીના નિશાન સ્વરૂપે અમુક રકમ અથવા આવક આપીને આંતરિક વહીવટની બાબતમાં સ્વાતંત્ર્ય મેળવ્યું હતું. જો કે ૧૭મી સદીમાં ઔરંગઝેબના શાસન કાળમાં મુઘલ અને રાજપૂત વચ્ચેના સુમેળભર્યા સંબંધો તૂટ્યા હતા. રાજપુત રાજ્યોમાં અનુગામીની નિમણૂક કરવામાં ઔરંગઝેબની દખલગીરી એ મુઘલ સામ્રાજ્ય સામે રાજપુતોનો પ્રતિકારનું પ્રારંભિક કારણ હતું. 18મી સદીના ઉત્તરાર્ધમાં રાજપૂત રાજ્યો, મરાઠાઓ અને અફઘાનોની કનડગત વેઠવી પડી હતી પરંતુ બેવમાંથી કોઈપણ રાજપુત પ્રદેશને કાયમી ધોરણે વશ કરવામાં સફળ થયો નહીં.

મૈસુર

દક્ષિણ ભારતમાં 18મી સદીના મધ્ય ભાગમાં નોંધપાત્ર શક્તિ તરીકે મૈસુરનો ઉદ્ભવ સૌથી જોવા લાયક હતો.મૂળ સોળમી સદીમાં વિજયનગર સામ્રાજ્યની અંતર્ગત વસાહત મૈસુર, ધીરે ધીરે, વોડ્યાર રાજવંશ દ્વારા સ્વાયત્ત રજવાડામાં ફેરવાઈ ગયું. પરંતુ, ત્યારબાદ રાજ્યના દલવાય(વડાપ્રધાનનું પદ) નાનાજરાજે વોડ્યાર રાજાને ખાલી નામ માત્રનો રાજા બનાવી ને બધી સત્તા આંચકી લીધી હતી. પણ કહેવાય છે ને ‘જુઠ્ઠો પગ ઝાઝો હાલે નઈ‘ એમ ૧૭૬૧ માં, મૈસુર સૈન્યમાં જુનિયર અધિકારી તરીકે કારકિર્દી શરૂ કરનાર હૈદર અલી એ નાનાજરાજ ને હાંકીને રાજકીય સત્તા સંભાળી. હૈદર અલીના શાસનમાં આ રાજ્યની નામના ખૂબ વધી અને તેના વાસ્તવિક મહિમા સુધી પહોંચ્યું હતું.

હૈદર અલી(ડાબે), ટીપુ સુલતાન(જમણે)

હૈદરે ફ્રેન્ચ નિષ્ણાતો પાસે પોતાની સેનાનું આધુનિકરણ કરાવ્યું જેમણે એક કાર્યક્ષમ પાયદળ અને તોપખાનાની તાલીમ આપી તથા મૈસૂરની સેનામાં યુરોપિયન શિસ્તનો સમાવેશ કર્યો. હૈદર અને બાદમાં તેના પુત્ર ટીપુ સુલતાને વચેટિયાઓની બાદબાકી કરીને સીધા ખેડૂતો પાસે નિમેલા પગારદાર અધિકારીઓ દ્વારા જમીન કર એકત્રિત કરવાની પ્રણાલી રજૂ કરી જેથી રાજ્યના સંસાધનો નો આધાર વધ્યો.જમીન મહેસુલ સિસ્ટમ વિગતવાર સર્વે અને જમીનના વર્ગીકરણ પર આધારિત હતી કેટલીક વાર નિયત ભાડા અને કેટલીકવાર પાકનો હિસ્સો વિવિધ પ્રકારની જમીન માંથી એકત્રિત કરવામાં આવતો હતો જેમકે ભીની અથવા સૂકી જમીન. જમીનની ઉત્પાદકતા અનુસાર ભાડાનો દર અલગ અલગ રાખવામાં આવતો. તેના અમુક મોટા દુશ્મનો દ્વારા પણ નોંધવામાં આવ્યું છે કે, “મૈસુર રાજ્ય ઉત્તમ પાક માટે સુદૃઢ અને તેની વસ્તી ભારતમાં સૌથી વધુ વિકસિત હતી.” દેશમાં એ સમયમાં મુઘલ શાસનના સિક્કા ચાલતા હતા ત્યારે ટીપુ એ મોગલ બાદશાહના સંદર્ભ વગરના સિક્કા જારી કર્યા અને બાદશાહ શાહ આલમના નામની જગ્યાએ પોતાનું નામ દાખલ કર્યું.એક “યથાર્થવાદી” હોવાને કારણે ટીપુ એ મુઘલ અધિકારને માન્યતા આપી જ્યારે તેને અનુકૂળ હતી અને જ્યારે તે ન હતી ત્યારે તેને વખોડી નાખી હતી.

ત્રાવણકોર

દક્ષિણમાં ત્રાવણકોર રાજ્ય હંમેશા મુઘલ શાસનથી તેની સ્વતંત્ર જાળવવામાં સફળ રહ્યું હતું. ૧૭૨૯ પછી જ્યારે તેના રાજા માર્તંડ વર્માએ પશ્ચિમી તજ પર તાલીમબદ્ધ અને મોર્ડન હથિયારોથી સજ્જ એક સશક્ત અને આધુનિક સૈન્ય તૈયાર કર્યું હતું અને તેની મદદથી તેના પ્રભુત્વનો વિસ્તરણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેનું મહત્વ વધ્યું હતું. માર્તંડ વર્માએ એક શક્તિશાળી અમલદારશાહી રાજ્ય બનાવ્યું હતું જેને મોટા સંસાધનો પર નિયંત્રણની જરૂર હતી તેણે પહેલાં મરીના વેપાર ઉપર અને ત્યારબાદ સમૃદ્ધ માલાબાર દરિયાકાંઠાના તમામ વેપાર ઉપર શાહી ઈજારાની જાહેરાત કરીને આ સમસ્યાનું સમાધાન કર્યું હતું. રાજ્ય દ્વારા આ રીતે મેળવેલા કેટલાક નફામાં સિંચાઈ પરિવહન અને સંચાર પ્રણાલીઓ અને વિવિધ શાખા સંસ્થાઓના વિકાસ દ્વારા સમુદાયમાં પાછા વાળવા ની વ્યવસ્થા થઈ હતી.ત્રાવણકોર ૧૭૬૬માં મૈસુરના આક્રમણના આંચકા સામે પણ અડગ ઊભું રહ્યું હતું અને ત્યારબાદ અનુગામી રામ વર્માના શાસન હેઠળ તેની રાજધાની કલાનું કેન્દ્ર બની હતી (સુપ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માં ત્રાવણકોર રાજ્યના હતા.)

આમ મુગલ શાસનના પતન સાથે કેટલાય પ્રદેશી રજવાડા અને શક્તિઓનો ઉદય થયો હતો પરંતુ આમાંથી એક પણ શક્તિ એ મુઘલ શાસનના પતનને કારણે સર્જાયેલી શક્તિના શૂન્યવકાશ ને ભરી શકી નહતી.

વાંચક મિત્રો આપના માટે આધુનિક ભારત ના ઈતિહાસ પર નવી શ્રેણી લઈને આવ્યો છું આ લેખ તેનું દ્રિતીય સોપાન છે. ઈતિહાસ ને લગતું કોઈ વિષય કે માર્ગદર્શન આવકાર્ય છે. સલાહ સુચન આપવા માટે આપ અહી આપેલ લિંક પર ક્લીક કરી ફોર્મ ભરીને જણાવી શકો છો. આ લેખ ગમ્યો હોઈ તો જરૂર થી શેર કરજો જેથી બીજાને પણ આ માહિતીસભર મેઘધનુષ નો લ્હાવો મળે.