મુઘલ શાસનનુ પતન : આધુનિક ભારત નો ઈતિહાસ -૧

ઉઝબેકિસ્તાનથી આવેલા બાબરે આજથી આશરે ૫૦૦ વર્ષ પહેલા ઇ.સ ૧૫૨૬ માં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ સામ્રાજ્ય તેની પરાકાષ્ઠાના સમયે, અફઘાનિસ્તાન થી બાંગ્લાદેશ અને કાશ્મીરથી દક્ષીણ ભારત (ત્રાવણકોર ને છોડીને) સુધી ફેલાયેલું હતું . પરંતુ એક કહેવત છે ને “ઉગતો સુરજ પણ સાંજ પડે ત્યારે આથમે” મુગલ શાસનનું પણ કંઇક આવું જ થયું અને ઔરંગઝેબ(૧૬૫૮-૧૭૦૭)ના શાસન કાળથી તેના પતનની શરૂઆત થવા માંડી. સત્તરમી સદીના મધ્ય ભાગ સુધી તેની રાજધાની (અલગ અલગ સમયે મુગલ શાસનની રાજધાની અલગ અલગ હતી,આગ્રા(૧૫૨૬-૭૦),ફતેહપુરસીકરી(૧૫૭૧-૮૫),લાહોર(૧૫૮૬-૯૮),શાહ્જહાબાદ-દિલ્લી(૧૬૪૮-૧૮૫૭ ) એ સમગ્ર પૂર્વીય ગોળાર્ધ માં શક્તિકેન્દ્ર માનવામાં આવતું હતું પરંતુ જૂની પુરાણી ઈમારત જેમ કડડભૂસ કરતી નીચે પડે એ રીતે મુગલ શાસન પણ પડી ભાગ્યું હતું.

Aurangzeb

કેટલાક ઇતિહાસકારોના મતે આ પતનનું કારણ ઔરંગઝેબની વિભાજનકારી નીતિઓ હતી ખાસ કરીને એમાં પણ ધાર્મિક નીતિઓને દોષી ઠેરવવામાં આવી. સ્વાયત્ત રાજ્યો બીજાપુર અને ગોલકુંડા તથા મરાઠાઓ વિરુદ્ધ પશ્ચિમ ભારતમાં તેનું વિસ્તરણવાદી લશ્કરી અભિયાન પણ એક કારણ ગણાવ્યું છે. જ્યારે કેટલાક ઇતિહાસકારો મુગલ પતનના મૂળમાં વ્યક્તિગત અથવા ચોક્કસ નીતિઓ કરતાં વહીવટની આંતરિક વ્યવસ્થાને કારણ માને છે. પરંતુ આ બધા મતભેદો માં એક સામ્યતા જોવા મળે છે કે મુગલ સામ્રાજ્યનું પતન ઔરંગઝેબ કાળમાં શરૂ થયું હતું અને તેને વેગ તેના નબળા અનુગામીઓ દ્વારા મળ્યું હતું.

મુગલ સૈન્યમાં લાંબા ગાળા સુધી કોઈ સૈન્ય સુધારા થયા નહોતા અને નવી ટેકનોલોજી પણ વસાવવામાં આવી ન હતી. આ નબળાઈથી આંતરિક બળવાઓને સ્થાન મળ્યું અને વિદેશી આક્રમણકારોને આમંત્રણ મળ્યું. એમાં પણ ખાસ શિવાજીના નેતૃત્વમાં મરાઠાઓએ ઔરંગઝેબના શાસનને વારંવાર પડકાર આપ્યો હતો. ઔરંગઝેબના મૃત્યુ પછી તેની જગ્યાએ આવેલા અનુયાયીઓ એટલા શક્તિશાળી ન હતા કે પોતાનું રાજ્ય બચાવી શકે એમાં પણ વિદેશી આક્રમણકારો સાથે સંઘર્ષ વધ્યો. ૧૭૩૮માં નાદીરશાહના નેતૃત્વ હેઠળ પર્શિયનો એ આક્રમણ કર્યું અને દિલ્હીને લૂંટી લીધું હતું. આ હુમલા પછી શાસન માંડ ઊભું થયું ત્યાં સુધીમાં તો ૧૭૪૮ માં પ્રથમ અફઘાન આક્રમણ થયું. પ્રથમ આક્રમણ નાકામ જતા અહમદશાહ અબ્દાલીના નેતૃત્વ હેઠળ અફગાનીઓએ ફરીવાર પ્રહાર કર્યો અને પંજાબનો મોટાભાગનો વિસ્તાર કબજે કર્યો તથા ૧૭૫૬ અને ૫૭ માં દિલ્હીને પણ કબજે કરી લીધું હતું. આખરે મુગલોએ અફઘાની સૈન્ય સામે ટકવા માટે મરાઠાઓ પાસે મદદ માંગી, અને તેમ છતાં ૧૭૬૧માં અહમદશાહ અબ્દાલી એ મુગલો-મરાઠાના સંયુક્ત લશ્કરને પાણીપતની લડાઈ માં પરાજય આપ્યો.

ઘણા ઇતિહાસકારો મુગલ સામ્રાજ્યને યુદ્ધ-રાજ્ય તરીકે પણ વર્ણવે છે, કારણ કે તેની કેન્દ્રીયકૃત વહીવટી પ્રણાલીનો વિકાસ કરવાનો જૉમ આખરે તેના લશ્કરી શક્તિ પર આધારિત હતું. સમ્રાટ આ બંધારણની ટોચ પર બેસતો અને તેનો અધિકાર મુખ્યત્વે તેની સૈન્ય શક્તિ પર નિર્ભર રહેતો તથા તેની આ સંરચનામાં અન્ય સૌથી મહત્વપૂર્ણ ભાગ તેના લશ્કરી કુલીનતાનો હતો. જો કે ૧૬મી સદીના અંતમાં અકબરે આ નીતિઓને તેની “માનસાબદારી” પદ્ધતિ દ્વારા વિકેન્દ્રિત કર્યું , ત્યારબાદ આ કુલીન લશ્કરી વર્ગને ઉમરાવ(માનસાબદાર) તરીકે ઓળખવામાં આવતો તથા તે બાદશાહ પ્રત્યે વ્યક્તિગત વફાદાર રહે એ તેનું મૂળ લક્ષ્ય રહેતું.

Mansabdari System

આ દરેક ઉમરાવ માનસાબદાર કહેવાતા, જેમાં દ્વી આંકડાકીય “ક્રમાંક-જાત” અને “સવાર-જાત” તેના અંગત હોદ્દાને દર્શાવતા હતા, સવાર-જાત એ માનસાબદારની નીચે કામ કરતા ઘોડેસવારઓની સંખ્યા દર્શાવતા. પદવીના આંકડાકીય ક્રમાંક મુગલ અમલદારશાહીમાં વ્યક્તિનું સ્થાન અને સ્થિતિ સૂચવતી. કેટલીકવાર તેઓને રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી પરંતુ મોટેભાગે તેમને અંદાજિત મહેસૂલી આવકના આધારે જાગીર ચૂકવવામાં આવતી હતી જેમાં તેમનો અંગત પગાર અને તેના સૈનિકો અને ઘોડાઓની જાળવણી ભથ્થું વગેરે નો સમાવેશ કરવામાં આવતો હતો. આ જાગીરમાં પણ બે પ્રકાર હતા વેતન જાગીર(સ્થાનાંતરિત જાગીર) અને વતન જાગીર (સ્થાનાંતર ન કરી શકાય). મોટાભાગની જાગીર સ્થાનાંતરિત જાગીર હતી જ્યારે સ્થાનાંતરિત કરી ન શકાય તેવી જાગીરો શક્તિશાળી રાજાઓ અને સ્થાનિક જમીનદારોને મુગલ પ્રણાલીમાં સમાવિષ્ટ કરવા માટેનું એક સાધન હતું. આ માનસાબદારોની બઢતી કરવી, બરતરફ કરવા કે જાગીરો ની ફાળવણી અથવા સ્થાનાંતરની પ્રક્રિયા ફક્ત સમ્રાટ દ્વારા કરવામાં આવતી તેથી આ ઉમરાવોની વફાદારી ફક્ત સમ્રાટ પૂરતી જ રહેતી. મુગલ ભારતમાં રાષ્ટ્રીય, વંશીય કે ધાર્મિક કોઈપણ પ્રકારની નૈતિક વફાદારીનો વિકાસ થઇ શકયો ન હતો અને તેથી સમ્રાટ અને સ્થાનીય શાસક વર્ગ(જમીનદાર/જાગીરદાર/ક્ષેત્રીય રાજાઓ ) વચ્ચે અસ્તિત્વમાં રહેલા “આશ્રયદાતા-ગ્રાહક સંબંધ” પર ઉભેલું શાહી સામ્રાજ્ય આખરે જમીનદોસ્ત થઇ ગયું. આ માનસાબદારો માં પણ ઘણી અસમાનતા હતી. જેમકે , સત્તરમી સદી ના મધ્યભાગ માં આશરે ૮૦૦૦ જેટલા માનસાબદારો શાસન માં હતા તેમાંથી ૪૪૫ જેટલા મોટા માનસાબદાર આશરે ૬૧ % જેટલું સામ્રાજ્ય નું કુલ મહેસુલ ઉઘરાવતા હતા તેથી આ અમલદારો (માનસાબદાર) માં પણ અંદરોઅંદર ઈર્ષા, ચડસા ચડસીને કારણે વિખવાદ થવા માંડ્યા. જાગીરદારી આટલા બધા વધવાનું કારણ મુગલ શાસન પાસે રાજ્ય ચાલવા કે આ અમલદારોને વેતન પર રાખવા જેટલું ધન પણ ન હતું તેથી તે આ અમલદારો ને શાહી જમીન જાગીરમાં આપીને તેમનો નિભાવ કરતી. કેટલાક ઈતિહાસકારો આ સમય ને “જાગીરદાર કટોકટી” તરીકે પણ નોધે છે.

બીજાપુર અને ગોલકુંડા ની ફતેહ બાદ મુગલ રાજની મહેસૂલી આવકમાં આશરે ૨૩ ટકા જેટલો વધારો થયો હતો. પરંતુ ઓરંગઝેબ એ આ આવકને અમલદારો વચ્ચે વેતન સહાય માં વહેંચવાની જગ્યાએ દક્ષિણમાં વિજય કૂચ કરવાની લાહ્ય માં યુદ્ધ ખર્ચમાં ખર્ચી નાખી જેથી અમલદારો માં અસંતોષની લાગણી ઉદ્દભવી તથા પગાર વગરનો સ્ત્રોત માત્ર જાગીર રહેતા અમલદારો વચ્ચે વધારે મહેસૂલી આવક ધરાવતી જાગીર મેળવવા માટે અંદરોઅંદર રાજકારણની શરૂઆત થઈ. અમલદારોના આ સમૂહમાં ત્રણ મુખ્ય ગ્રુપ વહેચાય. અસદ ખાન અને તેના પુત્ર ઝુલ્ફીકાર ખાન ના નેતૃત્વમાં ઈરાની ગ્રુપ, ગાઝી ઉદ્દીન ખાન – ફિરોઝ જંગ અને તેનો પુત્ર ચીન કુલિચ ખાન ની આગેવાનીમાં તુરાની ગ્રુપ, હિન્દુસ્તાની ગ્રુપ ની અગવાઈ સૈયદ બંધુઓ – ખાન-એ-દોરાન એ કરી. સત્તાના કેન્દ્રમાં કોઈ ચોક્કસ ગ્રુપની નિકટતા એ બીજાઓને કુદરતી રીતે અલગ કરી દીધા અને તેનાથી ધીરે ધીરે બાદશાહ અને તેના અમલદારો વચ્ચેની નિષ્ઠાના અંગત બંધનોને અસર થઇ હતી. પરિણામે સૈન્યમાં ભ્રષ્ટાચારની શરૂઆત થઈ. અસરકારક દેખરેખની ગેરહાજરીમાં કોઈ માનસાબદારે જરૂરી સૈનિકો અને ઘોડાઓ ની જાળવણી કરી ન હતી. લશ્કરનું આ રીતે નબળું પડવું એ સામ્રાજ્ય માટે જીવલેણ બની રહ્યું કારણ કે આખરે સામ્રાજ્યની સ્થિરતા તેની લશ્કરી શક્તિ પર આધારિત હતી.

સત્તરમી સદીના અંતમાં અને અઢારમી સદીની શરૂઆતમાં ખેડૂતો પરની નિર્દયતા અને અમાનુષી અત્યાચારના પરિણામે ઉઠેલા વિદ્રોહો પણ મુગલ સામ્રાજ્યના પતનનું કારણ હોવાનું માનવામાં આવે છે. બળજબરીથી લાદવામાં આવેલો સામ્રાજ્ય અને તેના ધીરે ધીરે વધી રહેલા આર્થિક દબાણને ગ્રામીણ સમાજ દ્વારા કદાચ ક્યારેય સ્વીકારવામાં આવ્યું ન હતું તથા ખેડૂતોનો અસંતોષ શરૂઆતથી જ મુગલ સામ્રાજ્યના ઇતિહાસમાં પુનરાવર્તિત મુદ્દો હતો, પરંતુ મુગલ સૈન્યના ડરે હંમેશા એક અવરોધકનું કામ કર્યું હતું અને વિરોધને વધતો જતો અટકાવ્યો હતો. 18મી સદીના અંત સુધીમાં કેન્દ્રીય શક્તિની નબળાઈઓ સ્પષ્ટ થઈ ગઈ અને મુગલ સૈન્યને નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો તથા આ જ સમયે મુગલ શાસક વર્ગનો જુલમ વધતો ગયો તેથી શાહી સત્તાની સામે પ્રજાનો પ્રતિકાર પણ વ્યાપક અને વધુ નિર્ણાયક બન્યો. મોટાભાગના કિસ્સાઓમાં આ બળવા અસફળ સ્થાનિક જમીનદારોની આગેવાનીમાં કરવામાં આવ્યા હતા અને દબાયેલા ખેડૂત દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું. આખરે જમીનદારો અને ખેડૂતો સામે મોઘલ સત્તા માટે ટકી રહેવા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યું. આ બળવાઓને વિવિધ રીતે અર્થઘટીત કરી શકાય છે. તેમને પ્રાદેશિક અને સામ્યવાદી ઓળખની રાજકીય નીવેદના, કેન્દ્રીય શક્તિ સામે ઘૂસણખોરી અથવા ઔરંગઝેબની મતઆગ્રહી ધાર્મિક નીતિઓ વિરુદ્ધ ની પ્રતિક્રિયા તરીકે દર્શાવી શકાય છે.

એ વખતની જમીન મહેસુલ પ્રણાલી કંઇક આવી હતી : ખેડૂત પાસે નિર્વાહ પૂરતી જોગવાઈ બાકી રાખતા જ્યારે બાકીની રકમ જમીન મહેસુલના રૂપમાં રાજ્ય દ્વારા વસૂલવામાં આવતી. સામાન્ય રીતે “જપ્ત વિસ્તારો“માં (જ્યાં વિગતવાર જમીન સરવે હાથ ધરવામાં આવતો) આવકની માંગ ઉત્પાદનના ત્રીજા ભાગની હતી પરંતુ વાસ્તવિક વસુલાત એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્રમાં બદલાતી રહેતી હતી કેટલાક વિસ્તારોમાં તે ઉત્પાદનનો અડધો ભાગ હતી અને ગુજરાત જેવા ફળદ્રુપ વિસ્તારોમાં તો તે ૩/૪ ભાગ જેટલી હતી.

રાજ્યની માંગ ની નીચે જમીન ની આવક પર બીજી પ્રકારની માંગ હતી અને તે હતી સ્થાનિક જમીનમાલિકો અથવા જમીનદારો ની માંગ. ઘણા જમીનદાર નાનું સૈન્ય અને કિલ્લાને નિયંત્રિત કરતા હતા તેથી અંતરિયાળ ભાગમાં મોઘલ વહીવટ તેમના સક્રિય સહયોગ વિના કાર્ય કરી શકતો ન હતો. અકબરે આ જમીનદારોને સહયોગી બનાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ઓરંગઝેબના અંતિમ વર્ષો અને ખાસ કરીને તેના મૃત્યુ પછીના ઉત્તરાધિકારીના સમયમાં આ જમીનદારો ની વફાદારી નિશ્ચિત પણે ડગમગવાની શરૂ થઈ હતી. દક્ષિણમાં, બહાદુરશાહના શાસનના છેલ્લા વર્ષોમાં એકંદરે બધા જમીનદારો આખરે સખત દબાયેલા ખેડૂતોના સક્રિય સમર્થનથી મુગલ રાજ્યની વિરૂદ્ધ થયા.

સ્થાનીય જમીનમાલિકોની ખુલ્લેઆમ બદનામીનું એક મુખ્ય કારણ જાગીરદારોનો વધતો દમન પણ હતો. કારણ કે આ જાગીરદારો ની વારંવાર બદલી થતી હોવાની કારણે તેઓને મળતી જાગીરમાં કોઈ જોડાણ અથવા કોઈપણ લાંબાગાળાની રુચિ વિકસી નહીં અને તેમના ટૂંકા ગાળા દરમિયાન ખેડૂતો માટે કોઇ વિચારણા કર્યા વિના શક્ય તેટલું મહેસુલ નીકાળવાનો પ્રયાસ કર્યો. (વાંચકે અહીં ખાસ નોંધવું કે જમીનદાર એટલે સ્થાનિક જમીનનો માલિક જ્યારે જાગીરદાર એટલે જમીન મહેસુલ ઉઘરાવનાર મુગલ શાસનનો અમલદાર) ઉપરી મુગલ શાસનની દેખરેખની ગેરહાજરીમાં આ જાગીરદારો લોભિયા બન્યા હતા અને અને પોતાનો લોભ સંતોષવા માટે રાજ્ય સાથે દગો કરતા. આ ઉપરાંત. બહાદુરશાહના શાસનના છેલ્લા વર્ષોમાં દક્ષિણમાં ઘણા જાગીરદારો એ મરાઠા સરદારો સાથે સમાધાન કર્યું હતું અને આ ગોઠવણથી તેઓ ખેડૂત પાસેથી શક્ય તેટલું મહેસુલ એકત્રિત કરી શકતા હતા. બીજી બાજુ જે જાગીરદારોની વધુ વખત બદલી કરવામાં આવતા હતા તેઓને મહેસુલના સંગ્રહ માટે સ્થાનિક પરિસ્થિતિઓ ખૂબ જ અશાંત લાગી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને ટૂંકા ગાળામાં મહત્તમ લાભ મેળવવા માટે તેઓએ “ઈજારાદારી” પ્રણાલી ઘડી જેના દ્વારા મહેસુલ એકત્ર કરવાનો અધિકાર સૌથી વધુ બોલી લગાવનાર ને આપવામાં આવતો. મહેસુલ એકત્ર કરવાનો અધિકાર પ્રાપ્ત કરનારને ઇજારાદાર કહેવામાં આવતો. મુગલ શાસક ફારૂકસિયાર ના સમયમાં રાજ્યની શાહી જમીનો પણ ઇજારદારને આપવામાં આવતી. આને કારણે મુગલ સામ્રાજ્ય વધારે ઘટતું ગયું. અને ૧૭મી સદીના અંત સુધીમાં તો મુગલ સામ્રાજ્ય રાજધાની દિલ્હીની આજુબાજુના સાંકડા પટ્ટા સુધી જ સીમિત રહ્યું હતું.૧૮૫૮માં જ્યારે અંગ્રેજોએ છેલ્લા સમ્રાટ બહાદુર શાહ-૨ ને પદ ભ્રષ્ટ કર્યો ત્યારે તેઓએ ફક્ત તેમની તાકીદની કલ્પનાને જ નષ્ટ કરી હતી કારણકે ત્યાં સુધીમાં તો મુગલ સામ્રાજ્ય લગભગ પડી ભાંગ્યું હતું.

જોકે આધુનિક ઇતિહાસકારો મુજબ, મુગલ સામ્રાજ્ય નું પતન નવી સ્થાનિય આર્થિક અને રાજકીય શક્તિ ઉદ્ભવ અને પરિણામે દૂરના અને નબળા કેન્દ્રોને લાંબા સમય સુધી નિયંત્રિત કરવામાં અસમર્થતા નું પરિણામ હતું. (સ્થાનીય આર્થિક અને રાજકીય શક્તિના ઉદ્ભવ ની અસર આપણે આવતા લેખમાં વિસ્તારે જોઈશું) સામ્રાજ્યના અવસાન પછી પણ ઘણા સમય સુધી મુઘલ પ્રણાલી ચાલુ રહી અને ત્યારબાદ સંખ્યાબંધ પ્રાદેશિક શક્તિઓનો ઉદ્ભવ થયો.

જોકે ભારતીય ઇતિહાસમાં 18મી સદી એ કઈ અંધકારમય યોગ નથી કે એકંદર પતનનો પણ યોગ નથી. કારણ કે પૂરા ભારતમાં વિસ્તરેલા સામ્રાજ્યનો પછીના સમયગાળા દરમિયાન વિવિધ શક્તિશાળી પ્રાદેશિક રાજ્યો નો દબદબો વધતો રહ્યો.

અગ્રણી ઇતિહાસવિદ્ સતિષચંદ્ર ના મત અનુસાર, આ સદીને વિશિષ્ટ ઘટના ક્રમની જેમ ધ્યાનમાં લેવી જોઈએ.

વાંચક મિત્રો આપના માટે આધુનિક ભારત ના ઈતિહાસ પર નવી શ્રેણી લઈને આવી રહ્યો છું આ લેખ તેનું પ્રથમ સોપાન છે. ઈતિહાસ ને લગતું કોઈ વિષય કે માર્ગદર્શન આવકાર્ય છે. સલાહ સુચન આપવા માટે આપ અહી આપેલ લિંક પર ક્લીક કરી ફોર્મ ભરીને જણાવી શકો છો.

ardent_geroy
Wikipedia Editor | Curse of knowledge | History/Science/Current Issue Commentator | Freethinker | *Scorpian*| 𝙅𝙖𝙘𝙠 𝙤𝙛 𝘼𝙡𝙡 𝙩𝙧𝙖𝙙𝙚𝙨 𝙢𝙖𝙨𝙩𝙚𝙧𝙨' 𝙤𝙛 𝙣𝙤𝙣𝙚.
%d bloggers like this: